કાચી-પાંત્રીસ | Kachi 35 | Kadak Mithi
પાનની દુકાને ઊભીને, મોઢામાં કાચી-૧૩૫નો માવો ભરીને સફળતા-નિષ્ફળતાનું એનાલીસીસ કરવું બહુ સહેલું છે, આવા લોકો પાસે પાછી સફળતાની અનેક ફોર્મ્યુલાઓ પણ મોજુદ હોયછે.. સલાહ-સૂચનો અને આઈડીયાનો ભંડાર પણ અખૂટ અને ભરપૂર હોય છે.. અને આવા સલાહવીરો ગલીએ ગલીએ પ્રજાજોગ સાક્ષાત્દર્શન આપતા અને સાંભળનારાને ભિંતનો ખૂણો સમજીને પિચકારીઓ મારતા ફરતા હોય છે.
કથાકાર જેવી અદ્ભૂત વાક્છટા ધરાવતા હોય અને સાંભળનાર જાણે જ્ઞાન પિપાસુ અને મુમુક્ષુઓ હોય એમ પિચકારી મારીને જ્ઞાનવાણીનો છંટકાવ શરુ કરે... બોસ.. ગાડી ખોટી લીધી, યાર, પૂછવુંતું તો ખરું ! આવાં ફેલ્યોર મોડેલમાં શું પડતા હશો ?.. હું પેહલાં પણ કહેતો હતો પણ તમે માનો નહી ને !!
ભાઈ પોતે પાછા પોતાના જૂના, વેલ્ડીંગ કરેલા ઉપરથી હાથે કલર કરીલ મોપેડને દોડાવી-દોડાવીને ચાલુ કરતા હોય, પાછો કૂદકો મારીને મોપેડ પર ચઢે ત્યારે જાણે મહારાણા પ્રતાપ ચેતકની સવારી કરતા નગરચર્યા પર નીકળ્યા હોય તેવી જાહોજલાલી દર્શાવતા હોય.. ને રસ્તામાં બીજા મળે એને કહેતા પણ જાય કે... બાપુ, ઓલો બટકી ગયો ગાડીમાં.. મેં તો કીધુંતું પણ માન્યો..! ફેલ્યોર મોડેલ લઈને બેઠો.
આખી જીન્દગી મોપેડ પર ટ્રીપલ સવારીમાં કાઢી છે ભાઇબંધે.. ઘરના ગેસના બાટલાનો ગેસ આમાં ભરીને મોપેડ ચાલે કે નહીં એની હજી તપાસ કરતા ફરે છે.. ને પાછું ઉપરથી કહેતો પણ ફરે.. કે મોપેડ તો મારા બાપુજીની યાદગીરી છે.. કોઈ કાળે નહીં કાઢું...બોલો..!
અરે આવા જ્ઞાનીબાબાઓ દરેક વાતમાં પોતાનો અભિપ્રાય શ્રેષ્ઠ હોવાની એવી આળવીતરીઅંગુલી ચિકિત્સાકરે કે ઓછી રેમવાળાઓ અને નબળાં પ્રોસેસરવાળાના મગજના સ્ક્રિન તો બે મિનિટ પછી ઝબકે ને ત્યાં સુધીમાં તો આ જ્ઞાનીબાબા પોતાના જ્ઞાનની પિચકારી મારવા બીજો ખૂણો શોધી ચૂક્યા પણ હોય.
સ્વચ્છતાનાં ગમે એટલાં અભિયાનો ચલાવો.. આખો દેશ અરિસા જેવો સ્વચ્છ થઈ શકે એવી શક્યતા નકારી ન શકાય પણ આવી પિચકારીઓ બંધ કરાવી શકો તો ભાયડા.


No comments