મહાનતા અને સમાજસેવા વચ્ચેનો સુક્ષ્મ તફાવત | Kadak Mithiજ્યારે વ્યક્તિ માણસમાંથી મહાન બનતો જાય છે ત્યારે તેનામાં બાયોલોજિકલ ચેન્જીસ તો કાંઈ નથી આવતા પણ, સાયકોલોજિકલ ચેન્જીસ, તેના પરસેપ્શન્સ અને પોઈન્ટ ઓફ વ્યૂ વગેરેમાં ધરખમ ફેરફાર આવતા જાય છે... સામાન્યતાથી મહાનતાની સફર દરમ્યાન બેકએન્ડ થઇ રહેલી આ બહુ કોમન પ્રકારની પ્રોસેસ હોય છે.
જેટલા સાયકોલોજિકલ ચેન્જીસ આવે છે એ પોઝીટીવરૂપમાં જ આવે છે કે પોઝીટીવીટીના ફેક વિઝાના આધારે વ્યક્તિની મેન્ટાલીટીમાં ગેરકાયદે પ્રવેશ કરે છે એ બંને તફાવત વચ્ચે બહુ સુક્ષ્મ LoC હોય છે.
મહાનનો અર્થ એવો નથી કે કોઈ વ્યક્તિ અમુક-તમુક સમયે અમીર બની ગયો એટલે મહાન...! કાર્યથી, ઉમરથી, અનુભવથી ઊંચાઈએ પહોચેલ વ્યક્તિ પણ એક ચોક્કસ તબક્કે પોતાની મેળે મહાનતાન ડેફીનેશનમાં ફીટ થઇ જતો હોય છે... પણ માણસની માનસિકતા પર જયારે મહાનતાના ગરમ મસાલાનો તડકો લાગે, તે સમયથી તેના વાણી, વર્તન, વ્યવહારમાં તુમાખીની તીખાશ આવી જવી એટલે સાયકોલોજિકલ ચેન્જીસ થયા કહેવાય... અને સાયકોલોજિકલ ચેન્જીસ પછી હું આમ કરું છું.. હું આમ કહું છું...જેવા ઇનડીરેક્ટ સેલ્ફ પ્રેઈસિંગ કે સેલ્ફ એક્સ્પ્રેસીવ સ્ટેટમેન્ટસના એક પણ અક્ષરનો સ્ટ્રોક સીધો હોય તો પછી અંદરખાને થઇ રહેલી બેકએન્ડ પ્રોસેસ તો મરોડદાર અને ગૂંચવાડાભરી હોવાની.. કોઈશક !!
આવા તબક્કે પહોંચ્યા પછી માણસનો માણસ સાથેનો સેતુ તૂટી બે ભાગલા પડી જતા હોય છે, જેમાં મોટેભાગે એક તરફ મહાન ને બીજી તરફ માણસોના ભાગ હોય છે. પછી ભલેને મોડો તો મોડો, પણ એવો તબક્કો પણ આવે કે મહાન પોતે માણસ તરફ પહોંચવા મથે ને રસ્તો કોઈ મળે નહીં. કારણ, મહાનતા પામવાની લ્હાયમાં સરકારી ગ્રાન્ટમાંથી રસ્તા બંધાવી નાખ્યા હોય, કે શહેરની કોઈ નાની મોટી ગલી-શેરી પર શ્રી ફલાણાદાસ માર્ગનું નામકરણ કરાવી નાખ્યા પછી પણ જીવનના અંત સુધી માનવતા કે માણસાઈના રાજમાર્ગ કાયમ શોધતા રહી ગયા હોય... ત્યારે કવિ શ્રી રતિલાલ અનિલની રચનાની પંક્તિ અહી બહુ બંધબેસતી લાગે છે... નથી એક માનવી પાસે હજી માનવ બીજો પહોંચ્યો,  અનિલમેં સાંભળ્યું છે કે ક્યારનો બંધાય છે રસ્તો...
મહાન બનવું હોય તો બનોને !! પણ, કોણે ને ક્યાં એવું મેન્યુઅલ બનાવી રાખ્યું છે કે મહાનતાના લક્ઝુરીયસ વાહનની ડીલીવરી મળતાંની સાથે એમાં તુમાખી અને એરોગન્સ બ્રાન્ડની એક્સેસરીઝ ફીટ કરાવવી પડે !! ઓરીજીનલ લાઈફમાં ટ્રાન્સપરન્સી હોય તો એના પર અઈસોલેશનની ડાર્ક ફિલ્મ લગાવી દેવી પડે !!
મહાનતાની વ્યાખ્યા ક્યારેક વળી કન્ડીશનલ ને કસ્ટમાઈઝ બની જતી હોય છે... જેમ કે, દાતાશ્રી તુમાખીદાસ ફલાણાના નામની આરસપહાણની ચકચકિત અને દાનની રકમ કરતાં મોટી તખ્તીની શરતે, ગણતરીપૂર્વકની બાજી રમી, નાનું-મોટું (મોસ્ટલી નાનું) દાન ફેંકી અહમ સર્વત્રપૂજયતે જેવો ધન્યતાનો આત્મશ્લાઘી આનંદ મેળવવો એટલે માની લેવાનું કે આપણું સમજ પ્રત્યેનું ઋણ અદા...? અને બસ, આજના દિવસની મહાનતા પ્રદર્શનને પબ્લીકલી સ્પ્રેડ-આઉટ કરવાનો ક્વોટા પૂરો... હવે વિચારો કે કાલ એવો કયો મેળ કરવો કે જ્યાં આપણું કે પૂજ્ય (!!) બા-બાપુજીનું નામ નવી ટેકનોલોજીથી કોતરેલી ગ્રેનાઈટની તખ્તી પર ગોલ્ડન અક્ષરથી લખાવી શકાય ? ને તરત મહાન માણસનું પબ્લિક રીલેશન ખાતું કામે લાગી જાય...!
બધી વાતો ચર્ચવાનો કોઈ એવો મતલબ નથી કે મહાન સ્થાપિત થયેલા દરેકની મનોસ્થિતિ કે માનસિકતા આવી હોય, પણ મહાનતાની કહેવાતી ચાંદીના વરખની ખરો માલ કઈ કક્ષાનો છે વિશ્લેષણનો વિષય છે ખરો !
મહાનતાનું લોકલ-ડોમેસ્ટિક-નેશનલ કે ઇન્ટરનેશનલ સર્ટીફીકેટ હાંસીલ કાર્ય પછી મહાનતાના વૃક્ષની જડોને માનવતાની જમીન સાથે જોડાયેલી રાખનાર કેટલાને આપણે ઓળખીએ છીએ ? ત્રણ ? બે ? એક ? કદાચ બહુ યાદ પણ નહિ આવે, કારણ, એમણે પોતાની મહાનતાના પબ્લિક ઈશ્યુ બહાર પડેલા હોતા નથી, કે એમને પોતાની મહાનતાનુ માર્કેટિંગ કરવાની જરૂર કે તમા પણ નથી હોતી.. આવા લોકો જાહેર સમારંભમાં હાર-તોરા કે પુષ્પગુચ્છના મોહતાજ પણ નથી હોતા.. પછી પોતાના નામની તખ્તીની વાત બાજુએ મુકો ભાઈબંધ... કદાચ પોતાના ઘરના દરવાજે પોતાના નામની નેઈમપ્લેટ પણ નહી મળે.. જો ભૂલેચૂકે એને શોધવા એના વિસ્તારમાં કોઈને એમનું એડ્રેસ પૂછ્યું તો એમ પણ જવાબ મળશે કે રહ્યું એમનું ઘર, ડાબીબાજુ છેલ્લેથી બીજી ડેલી... પણ હશે નહિ ઘરમાં, ગયા હશે મફતની સેવા કરવા !!!
તખ્તી મુકાવ્યા વગર, જાહેરસ્થળે મુકાવેલ બાંકડા પર નામ કોતરાવ્યા વગર, મંદિરોમાં છપ્પનભોગ ધરાવ્યા વગર, જાહેર સમારંભોમાં અતિથિવિશેષ તરીકે પોતાની જાતે આમંત્રણ મેળવવા માટે લોબીઈંગ કરવ્યા વગર કે પૂજ્ય માતુશ્રી ફલાણાલક્ષ્મી અને પૂજ્ય પિતાશ્રી અમુકચંદ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વૃદ્ધાશ્રમનું (પછી ભલેને બા-બાપુજી પોતાના અલ્ટ્રામોડર્ન બંગલાનાં આઉટહાઉસમાં એકલા રહેતા હોય...!) પોતાના વરદહસ્તે ભૂમિપૂજન કરતાં-કરતાં હસતા મોઢે લીડીંગ ન્યૂઝપેપરોમાં કોલમ-સેન્ટીમીટરના ભાવે ખુદના પૈસે કવરેજ લેવરાવ્યા વગર મહાન બનવું બહુ કપરું છે..
સમાજસેવા કરવી કે મહાનતા સાબિત કરવી બધું ભૂલી જાઓ મિત્ર.. ફક્ત રાઇટ ટાઈમે ઘેર પહોંચી, પત્ની-સંતાનો-પેરેન્ટ્સ સાથે નોર્મલ ઈન્ટરેકશન તો કરી જૂઓ!! દિવસમાં એકવાર બધા સાથે બેસીને જમવાનો નિર્ણય કરો (અને તેને નિભાવો).. સાચી સમાજ સેવા ઘરથી શરુ કરવી પડે.. કારણ, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ કે કોઈ NGOમાં સેવાની જરૂર એટલે પડતી હોય છે કે કોઈ એક વ્યક્તિ પોતપોતાના ઘરની નૈતિક ફરજ પોતાના જીવનકાળ દરમ્યાન ચૂકી જતો હોય છે.
શ્રદ્ધાથી વડીલોને સાચવ્યા હશે તો શ્રાદ્ધ કરવાની જરૂર નહિ પડે બાકી સમજનું ઋણ અદા કરવાના ઘણા મોકા મળતા રહેશે.
બસ, આખી વાત ફક્ત ખુલી આંખે જોયેલી સુક્ષ્મ હકીકતોને રજૂ કરવાનો નાનકડો પ્રયાસ છે.. મહેરબાની કરી, કોઈએ બંધ બેસતી પાઘડી, ટોપી, હેટ કે હેલ્મેટ પહેરી લેવા નમ્ર વિનંતી....

2 comments: