હું ધાર્મિક છું...(!) | Kadak Mithi


વારે-તહેવારે કે ધાર્મિક પ્રસંગે પ્રખ્યાત, પ્રચલિત, હાઈ-સેલીબ્રીટી વેલ્યુ ધરવતા મહાપંડિતને એના હાયરિંગ ચાર્જીસ ચૂકવી, યજ્ઞ-હોમ-હવન કરાવવા, વિધિ કરનાર પંડિત સંપૂર્ણ જ્ઞાની હોય કે ન હોય, પણ સંસ્કૃતના શ્લોકો-મંત્રોનો ઉચ્ચાર નર્સરી રાઈમ્સની જેમ કડકડાટ બોલે... વળી બે મંત્રોની વચ્ચે-વચ્ચે સામે બેઠેલી મહિલાઓ તરફ શ્રદ્ધાભીની (!) નજરોથી સસ્મિત અને માર્મિક દ્રષ્ટાંતો ફેંકતા જાય.
યજ્ઞના પ્રાયોજિત કાર્યક્રમના અંતે સાચા ઘીમાં બનેલો સુકામેવાયુક્ત પ્રસાદ, સાથે ઈટાલીયન, મેક્સિકન, થાઈ, ચાઇનીસ, પંજાબી, સાઉથ-ઇન્ડીયન અને ઉપરથી કાઠીયાવાડી ભોજ એટલે કે પ્રસાદ-બુફેનું આયોજન અને ડેઝર્ટમાં બરફગોળા-આઈસ્ક્રીમ, સોડા-ફાઉન્ટનની ચકાચક રમઝટ હોય...
હા, ખાસમખાસ જાણીતા-વિશ્વાસુ મિત્રનો એક ટેણીયો પ્રસદ ભોજ પહેલાં સોડા-ફાઉન્ટન પરથી ચિલ્ડ સોડાની પેટ બોટલ્સ ભરી-ભરીને ઉપરના રૂમમાંપહોંચતી કરવાની સર્વિસ પૂરી પાડે એવી આગોતરી સિગ્નેચર અરેન્જમેન્ટ હોય... પ્રભો..પ્રભો.. જમાવટ... જમાવટ... જલસો થઇ ગયો યાર.. બાપુ, તમારી પાર્ટી એટલે પાર્ટી.. ખલ્લાસ.. તમે બાકી ભારે શ્રદ્ધાપૂર્વક આખો પ્રોગ્રામબનાવ્યો છે.. કહેવું પડે..!”

૦૦૦૦૦

આ આખા એપિસોડમાં યજમાનમિત્રની ભાવના બે અલગ-અલગ એન્ગલ્સથી જોવાની જરૂર લાગે છે...
એક, ઘરમાં ધાર્મિકવિધિ કરાવવી, ઘરની વ્યક્તિઓ, વડીલો, પત્ની વગેરેની ધર્મ પ્રત્યેની આસ્થાને માન આપવું, જેમાં ધર્મ-ધાર્મિકતા-ઈશ્વર-ભક્તિ જેવા કોઇપણ મુદ્દાઓને લોજીકલી વિચારવાના ન હોય. ઉપરાંત, ઘરમાં આનંદ-ઉલ્લાસ-પર્વનું વાતાવરણ બને એ નફામાં.
ઘરમાં વેદિક યજ્ઞો કરાવવા, હોમ-હવન કરાવવા એ તો શાસ્ત્રોમાં પણ કારણો, લોજીક્સ સહિત સવિસ્તર આપેલ છે. પ્રોબ્લેમ ફક્ત અત્યારે કહેવાતા પાખંડ પ.પૂ..ધૂ.(પરમ-પૂજ્ય ધર્મ-ધૂરન્ધરો) અને ધર્મના બની બેઠેલા ઠેકેદારોએ નિમ્નતાની હદ વટાવી, મારી-મચડીને ધર્મના ધારા-ધોરણો ઘડી કાઢ્યાં છે અને જે રીતે ધર્મનું ધંધાકરણ કરી નાખ્યું છે એ મુખ્ય મુદ્દો છે.. પણ એ બધું ભૂલી જઈ ને, મુખ્ય વાત, મૂળ મુદ્દો ઘરના, પરિવારના તમામ સભ્યોની લાગણીનો જ હોય...
બીજો મહત્વનો મુદ્દો, ઘરના મુખ્ય પુરુષે બાકીના પરીવારજનોની મહેચ્છા પૂરી કરવા માટે કાર્યક્રમનું આયોજન કરી નાખ્યું.. વિધઆઉટ એની હિચકિચાટ.. એની ઓબ્જેકશન... હંસી-ખૂશી.. અને મનોમન નક્કી કરી નાખ્યું કે આપણે પણ થઇ જાય.. કારણ, અત્યારના ફાસ્ટ યુગમાં, શહેરના લાંબા-લાંબા અંતરની થકવી દેતી રોજની મુસાફરી કરીને જોબ કરવી અને એ પણ સતત કટથ્રોટ કોમ્પીટીશનમાં પોતાની જોબને જાળવી રાખવી, સ્વાભિમાનના ભોગે બોસના ઇગોને પંપાળી પંપાળીને સતત સ્ટ્રેસફૂલ સિચ્યુએશનમાં જીવવું.. અને જેવો આવો કોઈ મોકો આવે તો, એમાંથી સમયનું એક નાનું અમથું ચોસલું ચોરી, બધું જ ભૂલી જવા માટે અને જે તે સમયે તણાવમુક્ત જીવનની ક્ષણોને માણી લેવાની ગણતરીમાં હોયછે... એના માટે તો આ એક પ્રકારનું સ્ટ્રેસ-રીલીવીંગ વન-ડે પ્રોગ્રામ મોડ્યુલ બની જતું હોય.. તો એ ખોટું છે ?
ના, કાંઈ જ ખોટું નથી.. આ મારો અંગત મત છે…
શ્રદ્ધા-આસ્થા-ભક્તિ-આસ્તિકતા એટલે સવારે ઊઠી, ન્હાઈ-પરવારી, પવિત્રતાનું પીતાંબર પહેરીને જે ભગવાનમાં માનતા હોઈએ એના મંદિરે નિયમિત જવું, કે કોઈ પ્રખ્યાત ધર્મ-સ્થળ પર મસમોટી રકમનું દાન (૮૦ સી કે ડી કે જે લાગુ પડતું હોય તે ટેક્સ એક્ઝામ્પ્શનની ખાતરી કરી) દાન આપી પોતાની ધાર્મિક મહાનતાની વ્યાખ્યા અંતર્ગત દાનની રકમથી મોટા અક્ષરોમાં લેટેસ્ટ તખ્તી મુકાવવી.. અને પાછું એ ધર્મસ્થળ સાથે કોલાબરેશન પણ કરી લેવું કે હવે પછી આપણે જઈએ કે આપણી ભલામણ ચિઠ્ઠી લઈને આવેલા તમામને સ્પેશ્યલ વિ.આઈ.પી. ટ્રીટમેન્ટ મળવી જોઈએ..જય ભગવાન...!
શ્રદ્ધા-આસ્થા-ભક્તિ-આસ્તિકતા એટલે પાંચમ-છઠ-સાતમ-આઠમ-અગિયારસ-પૂનમના દિવસે નકોરડા ઉપવાસ રોજીંદા ખોરાક કરતાં બમણી ક્વોન્ટીટીમાં ભરપૂર કેલરીઝવાળો ચટાકેદાર ફળાહાર કરવો, શ્રાવણીયા સોમવારે શંકર ભગવાનને દૂધનો આફરો ચડાવી દેવો, ને શનિવારે બજરંગબલીને હા......કહેવા લાઈનમાં ઉભા રહી, એક નારીયેલ, આકડાની માળા સાથે તેલ-તેલ ભરી મુકી પ્રચંડ ધાર્મિકતાનો જલવો દર્શાવી દેવાનો.. પણ એનાથી સાબિત શું કરવાનું ? શંકર ભગવાન કે બજરંગબલીને અનુક્રમે સોમવાર ને શનિવાર સિવાય કાંઈ વકરો જ નહિ !! આપણે ૬ દિવસનું અઠવાડિક શેડ્યુઅલ, બાકી દરેક ચોક્કસ ભગવાન-માતાજીના દરેક વાર પ્રમાણેના શેડ્યુઅલ્સ બોલો ! અને કદાચ પૌરાણિક કે શાસ્ત્રોક્ત રીતે એવું કાંઈ લોજીક હશે પણ ખરું.. પણ આપણે તો આંધળું અનુકરણ કરતાં સ્વીકારી લેવા પાછળનું મુખ્ય કારણ તો એ લાગે છે કે યાર, એક જ દિવસમાં બધાને કેમ પહોંચવું ?
આ બધું માંદી પડેલી મનોસ્થિતિ માટે ડોકટરે આપેલ પ્રિસ્ક્રીપ્શન જેવું છે.. સોમ થી શની એક એક ભગવાન-માતાજી, સવાર બપોર સાંજ.. પ્રસાદ સાથે...!!
કોઈ મંદિર-ધર્મસ્થળ હોય કે મહાભાગવત સપ્તાહ કે રામાયણકથાજેમાં પ્રખ્યાત કથાકારની અમૃતવાણી કરતાં પણ વિશેષ બુલંદ અવાજે દાતાશ્રીનું નામ અને તેની પ્રચંડ ધાર્મિકતાના પુરાવારૂપે દાનની મોટી રકમ એટલે શ્રદ્ધા-આસ્થા-ભક્તિ-આસ્તિકતા..!
મંદિરમાં સ્થાપના કરવામાં આવેલ ભગવાન જ સાચા કે ચમત્કારી-પાવન-સાક્ષાતસ્વરૂપ લેખાતા હોય એવી માન્યતા હોય એવા દરેક ઘરમાં વૃદ્ધ માં-બાપના રૂમ કરતાં પણ મોટાં મંદિરની જરૂર પડતી હોય છે અને ઘરમાં ઇષ્ટદેવ-કુળદેવ-કુળદેવીની પ્રતિમા મૂકી પૂજા કરે રાખ્યે કાંઈ ન વળે, મંદિરે તો જવું જ પડે એવા બેધારી ધારા-ધોરણો એટલે શ્રદ્ધા-આસ્થા-ભક્તિ-આસ્તિકતા ?
ધર્મના નામે ચાલતાં બીભત્સ ધતીંગો સ્કેમ્સ-સ્કેન્ડલ્સ, સદાચાર જેવા શબ્દો જરૂરિયાત મુજબ વાપરવા કાઢતા, કહેવાતા સંતોએ પોતાના પડદા પાછળના આચરણોથી ફક્ત સડાચારફેલાવ્યો હોય ત્યારે આ તો સર્વે સુખીનાં સંતુની લાગણીથી ઘરમાં મજાનો ધાર્મિક પ્રસંગ ગોઠવ્યો ને એ આનંદના પર્વની કોમ્બો ઓફરને અનુસરતાં આપણો પણ પ્રોગ્રામ સેટ કરી નાખ્યોને એમાં જો કોઈ .ધૂ. ભક્તને પ્રોબ્લેમ થાય એનું તો કાંઈ ન થાય ને ભા.......!
આવી વાતોમાં જે ધ.ધૂ..પૂ.ઓને પ્રોબ્લેમ થતો હોય છે એ એવા હોય છે કે શરાબ સેવન, મદિરાપાનને વર્જ્ય, અછૂત અને નિમ્ન કક્ષાનું કૃત્ય ગણે છે, પાછા આ જ ધ.ધૂ. મહાકાલેશ્વરના મંદિરે ધરાતો દેસી દારૂ પ્રસાદરૂપે ગટકાવી જઈ ને પ્રસાદના નશામાં રાચે પણ ખરા..!
ભગવાનને દારૂ ધરાય, પ્રસાદ તરીકે આપણે પણ પીવાય.. પણ... તમે પીવોછો ? બહુ ખરાબ કહેવાય, અરે આપણા પર ડાયરેક્ટ દારૂડિયાનું લેબલ પણ લાગી જાય... કેમ જાણે રોજ સાંજે ઓફીસથી છૂટીને કન્ટ્રીબારમાં બેસી, દેસી પીને ગટરમાં પડ્યા રહેતા હોઈએ !!
દારૂડિયા હોવું અને સોશિયલ ડ્રીન્કર હોવું એ અનૈતિક લગ્ન બાહ્ય સબંધો રાખવા અને પર સ્ત્રી તરફ (સુંદર પર સ્ત્રી તરફ) જોવા જેટલો તફાવત ધરાવતી વાત છે..  આ વાત કદાચ અશ્લીલ કે નિમ્નકક્ષાના વિચારોવાળી લાગશે, પણ હકીકત છે.
લાખો-કરોડોની સંપત્તિ ધરાવતાં ટ્રસ્ટો દ્વારા બનાવવામાં આવેલ મંદિરો કે મંદિરોના ઓઠા હેઠળ કરોડોની સંપત્તિ ધરાવતાં ટ્રસ્ટોને અપાયેલું દાન ઇન્કમટેક્સના જે તે કાયદા હેઠળ એક્ઝમ્પશનને પાત્ર હોય છે, અહી દાન આપી આસ્તીક્તાનો પુરાવો આપવો એ કેટલી હદે મોરલ જસ્ટિફીકેશનને પાત્ર ? આવા મુદ્દામાં ફકત બે જ વાત ફળીભૂત થાય છે, એક તો દાનવીરનું નામ પ્રખ્યાત થાય અને દાન કર્યા પછી એ મહાન દાનવીરને પોતે હદ બહારનો આસ્તિક હોવાનો ભૂતિયા સંતોષ થાય.. બસ.. બીજું કાંઈ જ નહી.. બાકી ઘરખર્ચમાં કાપ મૂકી, ઘરની વ્યક્તિઓની જરૂરિયાતથી વધુ મહત્વ મંદિરમાં અપાતાં દાનને મળતું હોય તો.. ઘરનાં ઘંટી ચાટે.. ને પાડોશીને આટો... એવી વાત થઇ !!
થોડા સમય પહેલાં પરેશ રાવલ અભિનીત ઓહ માય ગોડફિલ્મ જોઈત્યાં સુધી જે કાંઈ આવા વિચારો હતા એને વધુ સ્પષ્ટતા મળી, એટલો બોલ્ડ વિષય આવી સરસ રીતે રજૂ કરીને ખરેખર આંખ ઉઘાડતી ફિલ્મ.. પણ મોટાભાગનાએ ફિલ્મ જોઈ, પોપકોર્ન ખાઈને ટીસ્યુથી હાથ લૂછી નાખ્યા..
મૂળ વાત શ્રદ્ધા-આસ્થા-ભક્તિ-આસ્તિકતાની હતી, જીવનમાં બધું જ રાખીએ, અને સાથે સાથે માણસ બનીને જીવીએ એટલે આ બધું જ આવી ગયું કહેવાય... વડીલોને સોમનાથ દર્શન કરવાં છે.. તો લઇ જાઓને ! બસ, ત્યાંથી ૯૦ કી.મી. જ છે દીવ, તો દબાવો એક્સીલરેટર.. ઉપડો ટોપે-ટોપ.. બંને પક્ષે સમાન ભાવે આ પ્રકારની સ્વીકૃતિ હોવાની જરૂર છે, લિબરલ સ્પીરીટ હોવો જોઈએ.. બેલેન્સ્ડ અપ્રોચ હોવો જોઈએ.
આ બધું મારું માનવું છે... મારી પોતાની સુવાંગ માલિકીની માન્યતાઓ છે, તમે માનો કે ન માનો એ તમારી મરજી... કારણ મને જે વિચારોમાં ટ્રાન્સપરન્સી લાગતી હોય.. એ બીજાની દ્રષ્ટિએ ઉઘાડાપણું હોઈ શકે..!

2 comments: