ડાબા_હાથે | Kadak Mithiમેં આપણા સમાજની વાડીનું એકદમ આધુનિક નવીનીકરણ મારા પોતાના ખર્ચે ૩૦ લાખ આપીને કરાવ્યું, પણ કોઈને કાંઇ ખબર પડી છે આજ સુધી ? ભલે મને બધાએ પ્રમુખ બનાવી દીધો, મેં તો કહ્યું કે રહેવા દો ભાઈ, પ્રમુખ-બ્રમુખ નથી બનવું આપણે, પણ કોઈ માને નહી ને !

પણ તમે ક્યાંય જોયું છે કે મેં ક્યાંય ફોટા બોટા છપાવ્યા હોય.. કે જાહેરાતો આપી હોય.. ન જ હોય.. છાપાંઓમાં આવેલી જાહેરાતો, પ્રશંસાના લખાણો ને ફોટા તો સંસ્થાએ આપ્યા બાકી મને તો શોખ જ નથી આવી પ્રસિદ્ધિઓનો.. મારો સિદ્ધાંત છે કે આપણે આપણું કામ કર્યે જાવું.

પણ, હોદ્દો સ્વીકાર્યા પછી હવે એક-એક પરિવારને શોધી-શોધીને મદદ કરવાની નેમ છે આપણી...

આ ઓલા આપણા ફલાણાભાઈ હમણાં જ ગુજરી ગયા, ભગવાન એના આત્માને શાંતિ આપે… મને  સમાચાર મળ્યા, હું દોડીને પહોંચી ગયો.. બધું મેં સંભાળી લીધું. વરસી સુધીની તમામ વિધિઓ મેં જ સંપન્ન કરી.. કોઈને કહેવાય નહિ.. પણ તમને કહું છું કે કહેવાય એમનું નામ અને ઘર મોટું... પણ એ ફક્ત બહારથી જ હો !! અંદરખાને ભારે આર્થિક સંકટમાં હતા, અરે, ખાવા ધાન નહિ, એમાં છોકરાંઓની સ્કુલ-કોલેજની ફી તો ક્યાંથી ભરે ? હું ખાસ કાલે સાંજે ગયો.. મોડેથી.. દિવસે પાછા કેટલાય પંચાત કરવા ત્યાં બેઠા જ હોય ને ! આવી વાતો કરવા માટે નિરાંત જોઈને જ જવું સારૂં એવું હું તો માનું… મેં એમની વાઈફને છાને ખૂણે પૈસા આપ્યા, એતો ના..ના..’ કરતાં રહ્યાં, પણ હાથપ કડીને પરાણે એમના હાથમાં મૂકી દીધા, અને કીધું પણ ખરું મેં,પાછા વાળવાની ઉતાવળ કે ચિંતા ન કરતા, હું બધું જ જાણું છું, તમારી આ પરિસ્થિતિમાં આપણે એકબીજાને કામ નહિ આવીએ તો ક્યારે આવશું ? માનવતા કોને કહે !! હું પાછો લાગણીશીલ બહુ.. આપણા લાગતા હોય એવા પ્રત્યે આપણી કાંઇક તો ફરજ ખરી કે નહિ ! આપણા જ ગણતા હોઈએ એવા માણસો માટે મને બહુ લાગી આવે..

એમની દીકરીજુવાન છે… તમે જોઇ છે ? એ કોલેજના છેલ્લા વર્ષમાં ભણે, મને તો દિકરી જેવી લાગે, પાસે બોલાવીને એને પણ કહ્યું કે પપ્પા નથી એ ભૂલી જા, હું તો છું ને ! એ તો બહુ સંકોચ અનુભવતી હતી, એને પ્રેમથી દિલાસો આપતાં સમજાવ્યું પણ ખરું.. કે અડધી રાત્રે જરૂર પડ્યે મને બોલાવજે અને કોલેજથી નીકળીને સાંજે સાંજે આપણી ઓફિસે આવતી જા, અરે તારી જ ઓફીસ સમજ અને એ આવતી જ હોય તો મેં તો નક્કી કર્યું હતું કે ભલેને અમારી ઓફીસ સાંજે ૬.૦૦ વાગે બંધ થઇ જતી, હું એના માટે ૨ કલાક બેસીશ. કામ શીખતી હોય તો એનું જ ભવિષ્ય સુધરશેને ! ને ઉપરથી બે પૈસા રળે, તો સારું ને !! તમે નહિ માનો, હું મોડે સુધી રોકાવાનો છું એ જાણીને અમારી ઓફીસના પટ્ટાવાળા પણ કહ્યું કે હું પણ રોકાઉં, પણ મેં એને  સાંજે ૬.૦૦ પછી રોકાવાની ના પાડી દીધી, એનેય ઘરબાર હોય ને ! પણ, માનવતાના ઢંઢેરા થોડા ઢોલ નગારાં વગાડીને કરાય છે ?

આટલી હેલ્પ કરવા હું તૈયાર હતો, હું જાતે બાજુમાં બેસી બધું સમજાવવા બેઠો હતો તો પણ એ છોકરી એક દિવસ આવી, હવે નથી આવતી... બોલો આજ-કાલના જુવાનિયાંને કામ જ નથી કરવું.. બસ.. જલસા કરો જલસા, એવો જ અભિગમ થઇ ગયો છે.

જોજો, આવું પાછું ક્યાંય લખતા નહિ, મારું નામ ક્યાંય આવે એવું મારે નથી કરવું. હું કોઈને આવી જાણ પણ નથી થવા દેતો.. મારા સિદ્ધાંતોની વિરુદ્ધ છે આ...

બાપુજી પહેલેથી જ કહેતા આવ્યા છે, જમણા હાથે દાન કરો, તો ડાબા હાથને ખબર ન પડે એ જ સાચું દાન.
મારું નામ ન લખશો, અરે ફોટાની પણ જરૂર નથી ભાઈ, મને પ્રસિદ્ધિમાં રસ નથી, બસ, કોઈ માટે કાંઇક કરી છૂટું એટલી જ મારી ઈચ્છા છે.

No comments