સમયનાં સરવૈયાં નથી બનતાં... કે સરવૈયાં માં ક્યારેય સમય નથી આવતો..! | Kadak Mithi

ક્યારેય કોઈ કામ કરવાને બદલે તમન્ના દિલમાં ઉગી છે ? ૧૧ થી ૬ની નોકરીમાં પુરા કલાકો કામ નથી કર્યું. મહિનાના એક લેખે વરસના બાર મેમો મળે છે નોકરીમાં, કે પછી બાપુજીએ જમાવેલી દુકાનમાં એમના ગયા પછી ખાલી પડેલી જગ્યાએ બેઠા છે, ગાદી પણ દબાઈ ગઈ છે ને કવર પણ ફાટી ગયું છે. પણ વાત કરવી, કથા કરવી, લાંબા-ટૂંકાં હાઈ-ફિલોસોફીકલ સ્ટેટમેન્ટસ આપવાં – આ લોકોમાં મળી આવતી એક સર્વ સામાન્ય સાઈકોલોજી છે.

અને, આપણે જોયું પણ હોય છે ને અનુભવ્યું પણ હોય છે કે પાનની દુકાને ઊભીને ફિલોસોફીની પિચકારીઓ મારવાની હોબી બહુ કોમન જોવા મળતી હોય છે. પાનના ગલ્લે, કોણીના ટેકે ઉભા હોય ને મોટી મોટી વાતો ને મુદાઓની શરૂઆત કરે ને પાછો આવા વક્તાઓને શ્રોતાગણ પણ મળી જતો હોય ! ક્યારેય તો એમ થઈ જાય કે વિશ્વનું સંચાલન આ વિભૂતિ જ કરતી હશે કે શું ? રીઝર્વ બેંકની પોલીસી, યુનાઈટેડ નેશન ની નીતિ અને અમેરીકાના અર્થતંત્રની વિસ્મયકારક છણાવટ કરી નાખે, રેપો રેટ ના મુદાઓ, જી.ડી.પી. ની સમજ આપતા વાક્યોની પિચકારી મારતા જાય.

સક્સેસ ફોર્મ્યુલાની ફિલોસોફી ડહોળવી અને કાચી-૧૩૫નો માવો હથેળીમાં ચોળવો – આ બંને વાતો આમના માટે એક જ હોય છે, પણ ભાઈલા, તારું તો વિચાર ! પાનવાળો ક્યારનો મનમાં વિચારે છે કે આ ભાઈનું ત્રણ મહિનાનું બિલ બાકી છે એ ક્યારે ચૂકતે કરી આપશે ? પણ ભાઈ પાસે આવી ક્ષુલ્લક વાતોનો સમય ક્યાં ?

બહુ વિચારવા જેવી વાત છે કે ...

સમયનાં સરવૈયાં નથી બનતાં...
કે સરવૈયાં માં ક્યારેય સમય નથી આવતો..!

એક વાર સરી ગયો જે સમય તે ક્યારેય પાછો નથી આવતો, સરવૈયું બને તેમાં પ્રોફીટ-લોસ બતાવે પણ સમય કેટલો ગુમાવ્યો તે નથી બતાવતું. No comments